Government of Gujarat allowed partial withdrawal of NPS investors

Share this:

ગુજરાત સરકારે NPSમાં રોકાણ કરનારાને આંશિક ઉપાડની છૂટ આપી

– નોકરીના કાર્યકાળ દરમિયાન માત્ર ત્રણ જ વાર ઉપાડ કરી શકશે

– સરકારી કર્મચારી નિવૃત્ત થાય અથવા રાજીનામું આપે તે પહેલાં તેના પેન્શનના ખાતામાંથી ૨૫ ટકાથી ઓછી રકમ

NPS GR

ગુજરાત સરકારે નેશનલ પેન્શન સ્કીમમાં ઇન્વેસ્ટ કરનારા સરકારી અધિકારીઓને તેમના નેશનલ પેન્શન સ્કીમમાંના કુલ ઇન્વેસ્ટમેન્ટમાંથી આંશિક રકમનો ચોક્કસ સંજોગોમાં ઉપાડ કરવાની છૂટ આપી છે. આ અંગેનો એક પરિપત્ર ગુજરાતના નાણાં ખાતાએ ત્રીજી એપ્રિલે કર્યો છે. ગુજરાત સરકારના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે નેશનલ પેન્શન સ્કીમમાં ઇન્વેસ્ટ કરનારાઓ બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે, બાળકોના લગ્ન માટે, પત્ની કે પતિના સંયુક્ત નામે રહેઠાણનું મકાન ખરીદવા માટે, ફ્લેટ બાંધવા માટે ખાતેદાર આંશિક ઉપાડ કરી શકશે.

તેમ જ નેશનલ પેન્શન સ્કીમના ખાતેદારની પત્ની કે પતિની સારવાર માટે, કાયદેસર દત્તક લીધેલા બાળકની સારવાર માટે, ખાતેદારના માતાપિતાની સારવાર માટે તેઓ તેમની જમા રકમમાંથી આંશિક રકમનો ઉપાડ કરી શકશે. ખાતેદાર ખાસ કરીને કેન્સર, કીડની ફેલ્યોર, પ્રાઈમરી પલ્મોનરી આર્ટેરિયલ હાઈપર ટેન્શન, મલ્ટીપલ સ્કેલરોસિસ, મેજર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટ, એઓર્ટા ગ્રાફ્ટ સર્જરી, હાર્ટ વાલ્વ સર્જરી, સ્ટ્રોક-પક્ષાઘાત, માયોકાર્ડિનિઅલ ઇન્ફેક્શન, કોમા, ટોટલ બ્લાઈન્ડનેસ, પેરાલિસિસ, ગંભીર જીવલેણ અકસ્માત જેવા કિસ્સાઓમાં જમા રકમમાંથી ૨૫ ટકા સુધીની રકમનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે.

નેશનલ પેન્શન યોજનામાં ત્રણ વર્ષ કે વધુ સયમથી જોડાયેલા કર્મચારીઓને જ આ ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. નોકરીના સમય દરમિયાન તેમને માત્ર ત્રણ જ વાર આ રીતે નાણાંનો ઉપાડ કરવાની છૂટ આપવામાં આવી છે. એક વાર આંશિક ઉપાડ કર્યા પછી પાંચ વર્ષ સુધી આ રીતે ઉપાડ કરવાની મંજૂરી આપવામાં આવશે નહિ. ઉપાડ માટે ખાતા ધારક અરજી કરે તે તારીખે તેના ખાતામાં જે રકમ જમા પડી હશે તે રકમના ૨૫ ટકા નાણાંનો તે ઉપાડ કરી શકશે.

નાણાંનો ઉપાડ કરવા માટે ખાતાધારક cra-nsdl.comપર તેમને ફાળવવામાં આવેલા લોગ ઇન આઈડી પર જઈને પાસવર્ડથી એન્ટ્રી લઈને ઉપાડ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કર્યા પછી ઓનલાઈન જ એક્નોલેજમેન્ટ નંબર જનરેટ થશે. અરજી સબ મિટ કર્યાના ત્રણ જ દિવસમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી દ્વારા નક્કી કરી આપવામાં આવેલા પ્રોફોર્મોમાં અંશતઃ ઉપાડ માટે અરજી કરવાની રહેશે.

તેની સાથે જ બાળકના ઉચ્ચ અભ્યાસ માટેના એડમિશનનો પત્ર, અંદાજિત ફી ખર્ચનું સંસ્થા તરફથી આપવામાં આવેલું પ્રમાણપત્ર, પતિ-પત્નીના સંયુક્ત નામે મકાન લેવા માટે ઉપાડ કરવો હોય તો ટાઈટલ ડોક્યુમેન્ટની નકલ, અધિકૃત પ્લાન, સેલ્ફ ડિક્લેરેશન અને હાઉસિંગ ફાઈનાન્સ કંપની કે બૅન્ક લોનના ઑફર લેટરની નકલ પણ રજૂ કરવાની રહેશે.

બીમારીની સારવાર માટે નાણાંનો ઉપાડ કરવો હોય તો તેવા સંજોગોમાં સારવાર આપનાર ડૉક્ટરનું કે જે તે રોગના નિષ્ણાત ડૉક્ટરનું અથવા સિવિસ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. બાળકના લગ્ન માટે અંશતઃ ઉપાડ કરવાનો યો તો તેવા સંજોગોમાં ખાતેદારે સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે. આંશિક ઉપાડની અરજી કર્યાના પાંચ જ દિવસમાં સક્ષમ સત્તાધિકારીએ નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરીને ઉદ્દેશીને આંશિક ઉપાડ મંજૂર કર્યાનો હકુમ નક્કી કરી આપવામાં આવેલા પ્રોફોર્મોમાં મોકલી આપવાનો રહેશે. આ ઉપાડની નોંધ શાખા કે કચેરીએ તેમની સેવા પોથીમાં ફરજિયાત કરવી પડશે.

Related Post

Leave a Reply

Your email address will not be published.